લેબલ્સ

Gujarat (1) Society (1)

રવિવાર, 30 ઑગસ્ટ, 2020

‘જીવ’રાજ મહેતાએ જયારે મધદરિયે રતનજી તાતાનો જીવ બચાવ્યો હતો

 (બ્રેકીંગ વ્યૂઝ, સંદેશ, ૩૦-૦૮-૨૦૨૦) 


સર રતનજી જમશેદજી તાતા ન હોત, તો ગુજરાતને તેના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા મળ્યા ન હોત. ગઈકાલે જીવરાજભાઈનો ૧૩૩મો જન્મદિવસ ગયો. ૧૯૭૮માં, ૯૧ વર્ષની વયે જ્યાં અવસાન થયું, તે  હોસ્પિટલને ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું, તેની પાછળ તેમની ડોકટર બનવાની કહાની છે. એમના ડોકટર બનવા પાછળ રતન તાતાનો સીધો જ હાથ. તાતાએ મુંબઈમાં સ્થાપેલા તાતા એજ્યુકેશન ફાઉન્ડેશનની મદદથી જીવરાજભાઈ લંડન ભણવા ગયેલા અને એક ઉત્તમ ડોક્ટર બનીને પાછા આવેલા. જીવરાજભાઈ નવા રાજ્ય ગુજરાતના વડા બન્યા એમાં, રતન તાતાનો પરોક્ષ હાથ. કઈ રીતે?

આ ‘બીમાર’ પડવાવાળી વાત દિલચસ્પ છે. જીવરાજભાઈ અમરેલીના અત્યંત ગરીબ ઘરના હતા અને સ્કુલથી લઈને મુંબઈમાં કોલેજ સુધી શિષ્યવૃતિઓ પર ભણેલા. ભણવામાં અત્યંત તેજસ્વી હતા, એટલે  લંડનમાં પોસ્ટગ્રેજ્યુએશન કરવાની તાતા એજ્યુકેશન ફાઉન્ડેશનની યોજનામાં જીવરાજભાઈ પસંદ થયા હતા. તેમને પ્રતિષ્ઠિત લંડન મેડિકલ કોલેજમાં એડમીશન મળ્યું હતું. જીવરાજભાઈ લંડનમાં ૧૯૦૯થી ૧૯૧૫ સુધી રહ્યા. ૧૯૧૪માં, જીવરાજભાઈએ એમડીની પરીક્ષામાં યુનિવર્સીટી ગોલ્ડ મેડલ મેળવ્યો. બીજા જ વર્ષે તેમને પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ ફિઝીસીયન્સમાં સભ્યપદ મળ્યું હતું. ૧૯૧૫માં એ મુંબઈ આવ્યા અને ખાનગી પ્રેક્ટીસ કરવા લાગ્યા.

તેમની ડોકટરીની એક અલગ જ કહાની છે, પણ મુંબઈમાં બીજી એક અગત્યની ઘટના બની. જેની આર્થિક સહાયથી જીવરાજભાઈ લંડન ગયા હતા, તે તાતા ફાઉન્ડેશનના કર્તાહર્તા રતનજી જમશેદજી તાતા સમુદ્રી યાત્રાઓ બહુ કરતા હતા. ૧૯૧૬માં, જાપાન અને ચીનની આવી એક મુસાફરીમાં એમને કોઈક બીમારી પકડાઈ ગઈ. મુંબઈમાં ડોકટરોની સલાહથી વધુ સારવાર માટે લંડન જવાનું નક્કી થયું. તેમણે જીવરાજભાઈને સાથે આવવા કહ્યું, એટલે જીવરાજભાઈ પ્રેક્ટીસ છોડીને એસએસ અરેબિયા નામના જહાજમાં રતન તાતા, તેમની પત્ની અને અન્ય સ્ટાફ સાથે જોડાઈ ગયા. તે સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો.

૧૧ નવેમ્બર ૧૯૧૬ના દિવસે, ભૂમધ્ય મહાસાગરમાં સુયેઝ કેનાલ પસાર કરીને તેમનું જહાજ પોર્ટ સેઇડ માટે રવાના થયું, ત્યારે એક જર્મન સબમરીને જહાજ પર ટોરપીડો છોડ્યો. જહાજ પર નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ. બીજા લોકો હોત તો હક્કાબક્કા થઇ ગયા હોત, પણ જીવરાજભાઈએ જરાય ડર્યા વગર, રતન તાતા સહીતના, તમામ મુસાફરોને ડેક પર સલામત જગ્યાએ પહોંચાડ્યા અને ત્યાંથી લાઈફબોટમાં ઉતાર્યા.

જીવરાજભાઈએ ખુદ આ કિસ્સો લખ્યો છે, “જહાજમાં અમે રોજ આવા સંભવિત હુમલા માટે પરેડ કરતા હતા. આવું કશું થાય, તો ડેક પર ચડી જવાનું અને ત્યાંથી લાઈફ-બોટમાં ઉતરી જવાની તાલીમ લેવામાં આવતી હતી. તે દિવસે ડેક પર હું એકલો જ હતો, અને તાલીમથી વિપરીત, હું નીચે જહાજમાં ગયો અને બધા લોકોને ડેક પર લઇ આવ્યો. એમાં એક લાઈફ-બોટ રવાના થવાની જ તૈયારીમાં હતી અને તેનું દોરડું કપાવાનું જ હતું કે અમે ફટાફટ લટકતા-લટકતા એમાં ઉતર્યા. પહેલાં લેડી તાતા, પછી નર્સ અને પછી સર તાતા ઉતર્યા. હું સૌથી છેલ્લો ઉતર્યો હતો. આવી રીતે દોરડાં પરથી સરકવાની ટેવ નહીં એટલે હાથ છોલાઈ ગયા, અને લાઈફ-બોટમાં માલ્ટા પહોંચ્યા, પછી ત્યાં સારવાર કરી. લાઈફ-બોટમાં કોઈ નાવિક ન હતો એટેલે મેં જ એ ચલાવી હતી. એટલી જ ખબર હતી ડૂબતા જહાજથી બને તેટલા દુર જતા રહેવું, નહી તો જહાજની ભેગા પાણીમાં અંદર ખેંચાઈ જવાય. અમે ૩૦ કલાક સુધી એવી રીતે સમુદ્રમાં રહ્યા.”

માલ્ટામાં સારવાર લઈને તેઓ લંડન પહોંચ્યા. ત્યાં રતનજીની તબિયત બગડતી ગઈ અને ૫ નવેમ્બર ૧૯૧૮ના રોજ તેમનું અવસાન થઇ ગયું. આ બધામાં અને દરિયાના તોફાની હવામાનમાં જીવરાજભાઈના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ અને તેમને ક્ષયનો રોગ થયો. લંડનથી તે સ્વીત્ઝરલૅન્ડના સેનેટોરિયમમાં રહેવા ગયા. ત્યાં તે સાડા ચાર વર્ષ રહ્યા. આ રોગ તેમને આજીવન પજવતો રહ્યો, અને ૧૯૭૦માં ઓપરેશન પણ કરાવવું પડ્યું હતું.  સ્વીત્ઝરલૅન્ડના અંતિમ દિવસોમાં તેમનો ભેટો વડોદરા રાજ્યના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાથે થયો, જે જીવરાજભાઈથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમને વડોદરાના ચીફ મેડિકલ ઓફિસરનું પદ ઓફર કર્યું.

વડોદરામાં જ તેમની મુલાકાત ગાયકવાડના દિવાન મનુભાઈ મહેતાની દીકરી હંસાબહેન સાથે થઇ અને તેમની સાથે લગ્ન કર્યા. ઈતિહાકાર જોન આર. વુડે આ લગ્નને ‘નાનકડી સનસનાટી’ ગણાવી હતી; જીવરાજભાઈ વૈશ્ય હતા અને હંસાબહેન નાગર હતાં. સયાજીરાવે આ લગ્નનો પક્ષ લઈને લગ્ન માટે દિવાન મનુભાઈને મનાવ્યા હતા.

વડોદરા રાજ્યમાં, સયાજી જનરલ હોસ્પિટલ સહીત, જે મેડિકલ સુવિધાઓ વિકસી તે જીવરાજભાઈને આભારી છે. જીવરાજભાઈ વડોદરામાં બે વર્ષ રહ્યા. મુંબઈમાં કેઈએમ હોસ્પિટલ અને શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કોલેજની રચના કરવાની જવાબદારી આવી હતી. જીવરાજભાઈએ એક બિલ્ડીંગમાં બે માળની મેડિકલ કોલેજ અને બીજા બિલ્ડીંગમાં હોસ્પિટલનો પ્રસ્તાવ મુકેલો, જે બને એક કોરીડોરથી જોડાયેલા હોય. ભારતમાં આ પ્રકારની આ પહેલી સુવિધા હતી. કેઈએમ હોસ્પિટલમાં ભારતનો પહેલો આઉટ-પેશન્ટ વિભાગ બન્યો હતો, તે જીવરાજભાઈને આભારી છે. ૧૯૨૫, તે કેઈએમના ડીન પણ બન્યા હતા.

વડોદરા, મુંબઈ અને દેશના અન્ય શહેરોમાં જીવરાજભાઈને તબીબી સુવિધાઓની રચના અને વહીવટનો જે અનુભવ મળ્યો અને થોડો સમય તે મહાત્મા ગાંધીના ડોકટર રહ્યા, તેમાં તે પંડિત નહેરુની નજરમાં વસી ગયા હતા. નવનિર્મિત ગુજરાતના મુખ્યમંત્રીપદે નેહરુના નાણામંત્રી મોરારજી દેસાઈ ‘તેમના’ માણસ બળવંતરાય મહેતાના નામને ધક્કો મારતા હતા, ત્યારે તેમનો દાવ ઉંધો પાડવા નેહરુએ ડો. જીવરાજ મહેતાને આગળ ધર્યા અને તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા.

આંતરિક કાવાદાવામાં અઢી વર્ષમાં જ જીવરાજભાઈને રાજીનામું આપવું પડ્યું, પણ રાજકારણની એ આખી કહાની અલગ જ લેખનો વિષય છે.

 

 

 

 

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો