લેબલ્સ

Gujarat (1) Society (1)

સોમવાર, 31 ઑગસ્ટ, 2020

નામ વગરનો 'અમર પ્રેમ' અને આનંદની મીરાં



(બ્લોકબસ્ટર, મિડ-ડે, ૨૨-૦૮-૨૦૨૦)
શક્તિ સામંતે રાજેશ ખન્નાને 'આરાધના' (૧૯૬૯)માં એટલી ઉચાઇએ પહોંચાડી દીધો હતો કે બે વર્ષ પછી, ૧૯૭૧માં, તેમણે બિભૂતીભૂષણ બંદોપાધ્યાયની બંગાળી ટૂંકી વાર્તા 'હિન્જેર કોચુરી' (ફિલ્મમાં રાજેશ ખન્ના એક હાથમાં ધોતિયાનો છેડો પકડીને શર્મિલાને મળવા જાય છે, ત્યારે તેના બીજા હાથમાં કચોરી હોય છે તે- હિન્જેરી કોચુરી) પરથી 'અમર પ્રેમ' બનાવવાની ઘોષણા કરી, ત્યારે તેમણે આનંદ બાબુની ભૂમિકા માટે રાજ કુમારનો સંપર્ક કર્યો હતો. તેનાં ત્રણ કારણો હતાં: એક તો, ખન્ના બહુ મોટો સ્ટાર બની ગયો હતો, અને તેની પાસે બીજા પાંચ-સાત વર્ષ સુધી તારીખો ન હતી, બીજું, 'અમર પ્રેમ' પુષ્પાની ફિલ્મ હતી, અને આનંદની ભૂમિકા નાની અને પ્લેટોનિક પ્રેમીની હતી, જે ખન્નાની રોમેન્ટિક છાપ સાથે મેળ ખાય તેવી ન હતી, અને ત્રીજું, આનંદ બાબુ વિવાહિત જીવનનું દુઃખ શરાબમાં ડુબાડતો હોય તેવી ભૂમિકા રાજ કુમારને બંધબેસતી હતી, કારણ કે 'જાની' સાહેબ અસલમાં પીવાના શોખીન હતા (ખન્નાના પીવાના ભોગ લાગવાને હજુ થોડા વર્ષોની વાર હતી).

રાજેશ ખન્નાને આ ખબર પડી, એટલે તેણે શક્તિ સામંતને કહ્યું કે આનંદ બાબુની ભૂમિકા મારે કરવી છે, અને હું તેને પુરતો ન્યાય આપીશ. સામંતે ખન્નાને ચેતવ્યો કે, "હું કોઈ તારીખો કેન્સલ નહીં કરું, મુજે કિસી પ્રોડ્યુસર કી બદદુઆ નહીં ચાહિયે. તું સવારે સેટ પર નિયમિત આવી જઈશ?" કાકાએ વચન આપ્યું કે તે સમયની શિસ્ત જાળવશે, અને તેણે શિસ્ત જાળવી એટલું જ નહીં, શરાબી પ્રેમીનો સિલેબસ બની ગયેલા દિલીપ કુમારની નકલ કર્યા વગર પણ સશકત અભિનય કરી શકાય છે, તે સાબિત કરી દીધું.

'અમર પ્રેમ' ખન્નાનું 'દેવદાસ' સાબિત થયું. તેના પરફોર્મન્સમાં સંયમ હતો અને અવાજ મુલાયમ અને લથડીયાં વગરનો હતો. આનંદની વિવાહિત પીડા અને શરાબીપણામાં ગરિમા હતી. દિલીપ કુમારનો દેવદાસ આત્મઘાતી હતો, અને તેને સ્વ-પીડનમાં મજા આવતી હતી. ખન્નાના આનંદમાં પીડા પ્રત્યે બેપરવાઈ હતી. પત્નીની ગેરહાજરીવાળા ઘરમાં તે નોકર સાથે જે વ્યંગાત્મ્ક (કટાક્ષ નહીં) સંવાદ કરે છે, તે જોજો, તમને પ્યાર ઉભરાઈ આવશે. દેવદાસ તેની ચેતનાને શરાબમાં બુઝાવી દેવા માંગતો હતો. આનંદ તેની ચેતનામાંથી જીવનની ફિલોસોફી બહાર લાવતો હતો. તમને એવું લાગે કે આનંદ એક સાધુની બેફીકરાઇથી દેવદાસના કુંડાળાની આસપાસ ચક્કર લગાવતો રહે છે.

આનંદ પહેલીવાર જયારે પુષ્પાના કંઠે ‘રૈના બીતી જાયે...’ સાંભળે છે ત્યારે તેના પગ આપોઆપ પુષ્પાના ઘરની સીડીઓ ચઢી જાય છે અને મંત્રમુગ્ધ બનીને તે પુષ્પાની સામે પલાંઠીવાળીને બેસી જાય છે. અચાનક કોઈકની હાજરીથી સચેત થઇને પુષ્પાનું ગીત અટકી જાય છે અને ત્યારે ખન્ના જે ગહેરી પીડા સાથે બોલે છે, “આપ રુક કયું ગઈ, ગાઈએ ના,” તે સાંભળજો. તેમાં તમને એક પ્રકારની ભક્તિ દેખાશે. ગીત પૂરું થાય છે, ત્યારે આનંદ ઉચ્ચારે છે, “તુમ્હારા નામ પુષ્પા નહીં, મીરાં હોના ચાઈએ થા.”

એ જ નાજુકાઈમાંથી ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ સંવાદ આવ્યો, જે પીડાના ગુલામ નહીં થઇ જવાની આનંદની પેલી જીદનો જ હિસ્સો હતો. શર્મિલા એક જગ્યાએ કહે છે, “તેણે એ સંવાદ એટલા ભાવાવેશ અને સંવેદના સાથે કહ્યો હતો કે હું સંમોહિત થઇ ગઈ હતી. છેલ્લા દ્રશ્યમાં આનંદ ‘પુષ્પા...’ એટલું જ કહીને અલવિદા ફરમાવે છે, ત્યારે તે તેના સ્મિતમાં આંસુને જે રીતે ભેગાં કરે છે, તે બીજો કોઈ એક્ટર ના કરી શકે.”

આનંદ બાબુનાં ત્રણે ગીતો પીડાથી છલોછલ અદ્વિતીય ફિલોસોફીકલ હતાં અને આનંદ બક્ષી, આર.ડી. બર્મન અને કિશોર કુમારે તેમાં તેમનું કેરિયર-બેસ્ટ સર્જન આપ્યું હતું. આર. ડી. બર્મનના એક કાર્યક્રમમાં ગુલઝારને પૂછવામાં આવ્યું હતું કે તમને પંચમ (આર.ડી.નું હુલામણું નામ પંચમ હતું)ની કઈ ફિલ્મ ન કરવાનો રંજ છે? ત્યારે ગુલઝારે કહ્યું હતું કે, “મને ‘અમર પ્રેમ’નાં ગીત લખવાનું ગમ્યું હોત. પંચમે મને પૂછ્યું પણ હતું, પરંતુ હું મારી પહેલી ફિલ્મ ‘મેરે અપને’માં વ્યસ્ત હતો, એટલે સમય ના ફાળવી શક્યો. જો કે, આનંદ બક્ષીએ બહેતરીન કામ કર્યું હતું.”

એમાં ‘ચિંગારી કોઈ ભડકે...’ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. આનંદ બક્ષીએ આ ગીત લખી રાખ્યું હતું, અને શક્તિ સામંતે એકવાર બક્ષીને આ ગીત ગણગણતા સાંભળ્યા, તો તેમને એ ગમી ગયું અને પછી તેને ફિલ્મમાં ઉમેર્યું. ખન્નાના હજારો ફેન એકઠા થઇ જતાં, તેને કોલકત્તામાં હુબલી નદી પર શૂટ કરવા પરવાનગી ના મળી, એટલે મુંબઈના મહેબુબ સ્ટુડીઓમાં પાણી ભરેલી ટેંકમાં હાવડા બ્રીજ બનાવીને શૂટ કરવામાં આવ્યું હતું.

‘અમર પ્રેમ’માં આર. ડી. બર્મને તેના પિતા એસ. ડી.બર્મન જેવું સંગીત આપવાને ચેલેન્જ ઉપાડી હતી, અને તે પૂરી કરી. તેનું યાદગાર ‘બડા નટખટ હૈ, કિશન કનૈયા...’ પંચમે બહુ સાધારણ રીતે સંગીતબદ્ધ કર્યું હતું, કારણ કે શક્તિ સામંતે ‘કૈંક ભજન જેવું બનાવી દો’ એવું કહ્યું હતું. એસ. ડી.એ ગીત સાંભળ્યું, તો શક્તિ’દાને કહ્યું કે મજા નથી આવતી, ફિલ્મમાં પ્રસંગ શું છે? શક્તિ’દાએ સમજાવ્યું કે નાનો છોકરા નંદુને ગણિકા પુષ્પા પાસે રહેવાનું ગમે છે અને પુષ્પા તેને દીકરા જેવો પ્રેમ કરે છે.

એસ.ડી.એ પંચમને કહ્યું, “તારી અંદરનો સંગીતકાર ક્યાં ગયો, પંચમ? શર્મિલા અહીં ગણિકા કરતાં વધુ કૈક છે. છોકરાએ તેનામાં માતૃત્વ જગાડ્યું છે. તારી ધૂનમાં ગણિકાનું એ દર્દ આવવું જ જોઈએ કે તે ક્યારેય માતા નહીં બની શકે. ફરીથી બનાવ, તારી રીતે બનાવ, પણ મનમાં હૃદયદ્રાવક માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખજે.” પાછળથી પંચમે એકરાર કર્યો હતો કે, તે દિવસે તેના પિતાએ તેને સંગીતનું શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું. આ ગીત હિન્દી સિનેમા સંગીત, અને લતા મંગેશકરની કારકિર્દીનું, સર્વોતમ ગીત છે.

‘અમર પ્રેમ’નો આધાર મૂળ બંગાળી ફિલ્મ ‘નિશી પદ્મ’ હતો, જે 'હિન્જેર કોચુરી' પરથી બની હતી, પણ હિન્દીમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. ‘નિશી પદ્મ’ એટલે રાતરાણીનું વૃક્ષ. ‘અમર પ્રેમ’માં તમને જો યાદ હોય, તો પુષ્પા તેના ઘરના વરંડામાં જાસ્મીન વાવે છે, અને મોટો થઈને નંદુ (વિનોદ મહેરા) ત્યાં આવીને જસ્મીનના વૃક્ષને પ્રેમથી જોઇને પુષ્પાને યાદ કરે છે. ‘નિશી પદ્મ’માં ઉત્તમ કુમારે કામ કર્યું હતું, અને રાજેશ ખન્ના ભૂમિકા સમજવા માટે ઉત્તમ કુમારની પાસે ગએલો. તેણે કહ્યું કે, ‘નિશી પદ્મ’ મેં ૧૬ વાર જોઈ છે, અને હું ઉત્તમ કુમારે જે કામ કર્યું છે, તેના ૫૦ ટકા કરું તોય ભયોભયો. ‘નિશી પદ્મ’માં નાયકનું નામ અનંત હતું, પરંતુ ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ ફિલ્મની લોકપ્રિયતાનો લાભ લેવા માટે રાજેશનું નામ આનંદ રાખવામાં આવ્યું હતું.

‘અમર પ્રેમ’ શર્મિલા ટાગોરની ફિલ્મ હતી. સૈફ અલી ખાનના જન્મ પછીની તેની આ પહેલી ફિલ્મ હતી. શર્મિલાએ શક્તિ’દાને કહેલું કે અધરી ભૂમિકા છે, પણ હું કરીશ. ‘અમર પ્રેમ’માં ચાલુ પ્રેમ કહાની ન હતી. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં; પુષ્પા, આનંદ અને નંદુ. ત્રણેય એકબીજાથી અજનબી અને ત્રણેય સંયોગવશ એકબીજાને નિ:સ્વાર્થ લગાવ કરી બેસે છે, જે સંબંધનું કોઈ નામ નથી (એટલે જ એને અમર પ્રેમ કહેવાયો હતો). પુષ્પા એમાં ગણિકા હતી, પણ એનું હૃદય એક પવિત્ર સ્ત્રીનું હતું. તેની એ પવિત્રતાનું પ્રતિબિંબ તેની ગાયિકી, નંદુ, આનંદ બાબુ, કચોરી અને રાતરાણીના વૃક્ષમાં હતું.

જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ તેના ગણિકાના વ્યવસાયમાંથી તેનો મોક્ષ થતો જાય છે. આનંદ તેને કહે છે પણ ખરો, “તુને ઇસ કમરે કો મંદિર બના દિયા.” આ મોક્ષ ત્યાં જ નથી અટકતો. પુષ્પા ગણિકાનો વાસ છોડી દે છે, અને સમાજનાં દુર્વચનોને સાંભળ્યાં-ના સાંભળ્યાં કરીને વાસણો માંજવાનું કામ અપનાવી લે છે. એ તેનું દેવત્વ છે. સાવ છેલ્લા દ્રશ્યમાં, નંદુ પુષ્પાને ઘરે લઇ જાય છે, ત્યારે પાછળ મા દુર્ગાની પ્રતિમાઓનું સરઘસ પણ ચાલતું હોય છે.

તે આનંદ બાબુને મળે છે, પણ ક્ષણિક જ. આનંદ પુષ્પાને નંદુની મા બનીને તેની સાથે જવાનું સુચન કરે છે. પરંપરાગત હિદી સિનેમાઓ કરતાં આ અંત અસાધારણ હતો. શક્તિ’દા કહે છે, “પુષ્પાએ જે તકલીફો ભોગવી હતી, તે જોતાં તેને સુખની ખેવના હોય, તે સહજ છે. તેને હંમેશાં બાળકની આકાંક્ષા હતી, એટલે મને થયું કે તેને અને આનંદને મિયાં-બીવી તરીકે ભેગાં કરવાને બદલે, તેને અને તેના દીકરાને ભેગા કરું, અને આનંદ આ મિલાપ કરાવે, કારણ કે તે તો પહેલેથી જ પુષ્પાને સુખી જોવા ઈચ્છતો હતો.”

એટલા માટે જ આનંદે પહેલા દ્રશ્યમાં પુષ્પાને મીરાં કહી હતી. 
See Less

રવિવાર, 30 ઑગસ્ટ, 2020

ન્યાય પ્રકૃતિથી મોટો ના હોઈ શકે, અને તમામ નૈતિકતા પ્રકૃતિમાંથી આવે છે



મહાત્મા ગાંધીની પૂરી લડાઈ ઉચિત અને અનુચિત કાનૂન પર આધારિત હતી. એટલે જ તેમણે કોર્ટને કહ્યું હતું, “હું સૌથી કડક સજા માટે તૈયાર છું. મને હળવી સજા ફરમાવવામાં ના આવે.”

--------------------------

ગ્રીક નાટ્યકાર સોફોક્લેસના નાટક 'એન્ટીગોન'માં, ઓડિપસની પુત્રી એન્ટીગોન થેબેસના સમ્રાટ ક્રેઓનના આદેશનું ઉલ્લંઘન કરે છે કે તેના ભાઈ એટીઓક્લેસના હાડપિંજરને પક્ષીઓ અને ગીધોને ખાવા માટે રસ્તામાં રઝડતો મૂકી દેવામાં આવે. સમ્રાટ ક્રેઓન જ્યારે તેની પર આજ્ઞાભંગનો આરોપ લગાવે છે, ત્યારે એન્ટીગોન કહે છે- "હા, આ આદેશ મને (અકાશદેવ) ઝિયસે નથી આપ્યો. ગાંધર્વોના ન્યાયે પણ આવા કાયદા નથી ઘડ્યા. ના તો આવા આદેશમાં એવી તાકાત છે કે તેનો આધાર લઈને નશ્વર મનુષ્ય સ્વર્ગની વણલખી અને અટલ વ્યવસ્થાઓને કચડી નાખે."
સાર: મનુષ્ય પર રાજ કરવાની ન્યાયની નૈતિક સત્તા મનુષ્યના કલ્યાણમાંથી આવે. મતલબ કે જે ન્યાય મનુષ્યને અન્યાય કરે અને તેના પ્રાકૃતિક અધિકારોનું ઉલ્લંઘન કરે, તે નૈતિક રીતે અનુચિત ન્યાય કહેવાય. ન્યાય પ્રકૃતિથી મોટો ના હોઈ શકે, અને તમામ નૈતિકતા પ્રકૃતિમાંથી આવે છે. અનુચિત ન્યાય હંમેશાં ખુદને પ્રકૃતિથી ઉપરની નૈતિક સત્તા માને. એટલા માટે ઉચિત ન્યાય લોકતાંત્રિક હોય, અનુચિત ન્યાય સરમુખત્યાર હોય. ઉચિત ન્યાયનું પાલન કરવું એ દરેક નાગરિકની ફરજમાં આવે છે, પણ અનુચિત ન્યાયનો અનાદર કરવો એ નૈતિક જવાબદારી બને છે. મહાત્મા ગાંધીની પૂરી લડાઈ ઉચિત અને અનુચિત કાનૂન પર આધારિત હતી. રોમન ધર્મશાસ્ત્રી સેન્ટ ઓગસ્ટીને કહ્યુ હતું, “અનુચિત કાનૂનને કાનૂન જ ન કહેવાય.” 

1922માં અમદાવાદના બ્રિટિશ ન્યાયાધીશે મહાત્મા ગાંધીને 'યંગ ઇન્ડિયા'માં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટનો એક પત્ર છાપવા બદલ અપરાધી ઠેરવ્યા હતા અને મહાત્માએ માફી માંગવાને બદલે જેલમાં જવાનું પસંદ કર્યું હતું, તેવી રીતે 60 વર્ષ પહેલાં, 'કેરળ પ્રકાશમ' નામના માલયમ દૈનિકના તંત્રી મથાઈ મંજૂરનને, સત્તાધારી કોમ્યુનિસ્ટ કાર્યકરોના હાથે માર્યા ગયેલા છ કોંગ્રેસ કાર્યકરોના સમાચાર બાબતે કેરળ હાઇકોર્ટે અદાલતની માનહાની બદલ દોષી ઠેરવીને 100 રૂપિયાનો દંડ કર્યો હતો. મથાઈએ દંડ ભરવાને બદલે ત્રિસુર જેલ જવાનું પસંદ કર્યું હતું, કારણ કે એમાં પ્રશ્ન અનુચિત કાનૂનનો અને લાખો લોકોની અભિવ્યક્તિની આઝાદીનો હતો. મથાઈ સજા ભોગવીને બહાર આવ્યા, ત્યારે તેમનું ઠેરઠેર જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અદાલતની માનહાનીના કાનૂનની એમાં જીત નહીં, હાર હતી.

વર્તમાનમાં, સુપ્રીમ કોર્ટમાં આનું જ પુનરાવર્તન થયું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ અરુણ મિશ્રાની બેન્ચે વરિષ્ઠ વકીલ અને કર્મશીલ પ્રશાંત ભૂષણને તેમની બે ટવીટને લઈને અદાલતની માનહાની માટે દોષિત ઠેરવ્યા છે. અદાલતે તેમને તેમના વિધાનો પર પુર્નવિચાર કરવા સમય આપ્યો હતો, પણ ભૂષણે અદાલતની માફી માગવા કે વિધાનો પાછાં ખેંચવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે સુપ્રીમ કોર્ટની બેંચને કહ્યું કે આ મામલામાં મને ખોટો સમજવામાં આવ્યો છે તેનું તેમને દુઃખ છે, "ટવીટ મારફતે મેં મારા પરમ કર્તવ્યનું પાલન કરવાનો પ્રયાસ કર્યો છે, એમાં વધુ કશું ન હતું. તેને આ સંસ્થાને બહેતર બનાવવાના પ્રયાસ તરીકે જોવી જોઈએ. મેં જે લખ્યું હતું, તે મારો અંગત અભિપ્રાય, મારો વિશ્વાસ અને મારો વિચાર છે. આ અભિપ્રાય અને વિચાર કરવો એ મારો અધિકાર છે."

તે પછી મહાત્મા ગાંધીને ટાંકીને ભૂષણે કહ્યું, "હું દયાની ભીખ નથી માંગતો, અને ન તો હું તમારી પાસે ઉદારતાની અપીલ કરું છું. કોર્ટે મારી જે વાતને અપરાધ માની છે, તેના માટે કોઈપણ સજાને હું શિરોમાન્ય રાખીશ, પણ મારી નજરમાં તે ખોટી નથી, બલ્કે નાગરીકો પ્રત્યે મારું સર્વોચ્ચ કર્તવ્ય છે. "

ભૂષણે તેમના બચાવમાં જેનો ઉલ્લેખ કર્યો હતો તે ખટલો ગાંધીજી સામે ૧૯૨૨માં અમદાવાદમાં ચાલ્યો હતો અને મહાત્માએ તેમાં દયા માંગવાને બદલે સામેથી સજા માગી હતી. ગાંધીજીએ એમના સાપ્તાહિક 'યંગ ઇન્ડિયા'માં ત્રણ લેખ લખ્યા હતા, જે અંગ્રેજ સરકારની નજરમાં 'મહામહિમ સરકાર સામે અસંતોષ ભડકાવનારા' હતા. ગાંધીજી સામે આઈપીસીની કલમ ૧૨૪-એ નીચે રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો હતો.

૧૮ માર્ચ, ૧૯૨૨ના દિવસે અમદાવાદના સર્કીટ હાઉસમાં કોર્ટ બેસાડવામાં આવી હતી, અને ૨૦૦ લોકોની માર્યાદિત હાજરી વચ્ચે ગાંધીજી કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયા હતા. એમની સાથે 'સહઆરોપી' 'યંગ ઇન્ડિયા'ના તંત્રી, મુદ્રક અને પ્રકાશક શંકરલાલ ઘેલાભાઈ બેન્કર હતા. સરોજીની નાયડુ ત્યાં હાજર હતાં. એ યાદ કરીને લખે છે, "કાનુનની નજરમાં ગુનેગાર અને અપરાધી! પણ મહાત્મા ગાંધી જેવા અંદર આવ્યા, એમના સન્માનમાં આખી કોર્ટ સહજ રીતે ઉભી થઇ ગઈ."

ગાંધીજી સામે આરોપો સંભળાવવામાં આવ્યા. એમણે અને બેન્કરે અપરાધનો સ્વીકાર કર્યો. સજા સંભળાવતાં પહેલાં, સેસન્સ જજ આર.એસ. બ્રુમ્સફિલ્ડે ગાંધીજીને સજા અંગે કંઈ કહેવું હોય, તો પરવાનગી આપી હતી. ગાંધીજી બોલ્યા, "મારે કાં'તો એ વ્યવસ્થા સામે સમર્પણ કરવું પડે, જેણે મારા દેશનું બહુ અહિત કર્યું છે, અથવા લોકોના આવેશનું જોખમ ઉઠાવવું પડે, જેમને મારી સચ્ચાઈની ખબર છે. હું જાણું છું કે મારા લોકો કયારેક ઝનૂની થઇ ગયા છે. હું એના માટે દિલગીર છું, અને એટલા માટે હું સૌથી કડક સજા માટે તૈયાર છું. મને હળવી સજા ફરમાવવામાં ના આવે."

ગાંધીજીએ ત્યાં એક નિવેદન પણ વાંચી સંભળાવ્યું હતું. એમાં કલમ ૧૨૪-Aને 'ઇન્ડિયન પીનલ કોડના રાજકીય અનુચ્છેદમાં મુગટ સમાન' ગણાવીને ગાંધીજી કહ્યું હતું, "પ્રેમ કુત્રિમ રીતે પેદા કરી ના શકાય કે ના તો કાનુનથી એનું નિયમન થાય. કોઈને કોઈ વ્યક્તિ કે વ્યવસ્થા પ્રત્યે પ્રેમ ના હોય, તો એને એ અસંતોષ વ્યક્ત કરવાની પૂરી છૂટ હોવી જોઈએ. અને ભારતના અમુક સૌથી વહાલા દેશભક્તોને જેની નીચે દોષિત ઠેરવવામાં આવ્યા છે. મને એ જ ધારા હેઠળ અપરાધી ઠરવાનું ગૌરવ છે."

નોબેલ પુરષ્કાર વિજેતા લેખક પર્લ એસ. બકે ગાંધીને યાદ કરીને કહ્યું હતું, “એ સાચા હતા, એમને ખબર હતી કે તે સાચા હતા, આપણને બધાને ખબર છે કે તે સાચા હતા. જે માણસે તેમની હત્યા કરી હતી તેને પણ ખબર હતી કે તે સાચા હતા.”

 

‘જીવ’રાજ મહેતાએ જયારે મધદરિયે રતનજી તાતાનો જીવ બચાવ્યો હતો

 (બ્રેકીંગ વ્યૂઝ, સંદેશ, ૩૦-૦૮-૨૦૨૦) 


સર રતનજી જમશેદજી તાતા ન હોત, તો ગુજરાતને તેના પહેલા મુખ્યમંત્રી જીવરાજ મહેતા મળ્યા ન હોત. ગઈકાલે જીવરાજભાઈનો ૧૩૩મો જન્મદિવસ ગયો. ૧૯૭૮માં, ૯૧ વર્ષની વયે જ્યાં અવસાન થયું, તે  હોસ્પિટલને ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું, તેની પાછળ તેમની ડોકટર બનવાની કહાની છે. એમના ડોકટર બનવા પાછળ રતન તાતાનો સીધો જ હાથ. તાતાએ મુંબઈમાં સ્થાપેલા તાતા એજ્યુકેશન ફાઉન્ડેશનની મદદથી જીવરાજભાઈ લંડન ભણવા ગયેલા અને એક ઉત્તમ ડોક્ટર બનીને પાછા આવેલા. જીવરાજભાઈ નવા રાજ્ય ગુજરાતના વડા બન્યા એમાં, રતન તાતાનો પરોક્ષ હાથ. કઈ રીતે?

આ ‘બીમાર’ પડવાવાળી વાત દિલચસ્પ છે. જીવરાજભાઈ અમરેલીના અત્યંત ગરીબ ઘરના હતા અને સ્કુલથી લઈને મુંબઈમાં કોલેજ સુધી શિષ્યવૃતિઓ પર ભણેલા. ભણવામાં અત્યંત તેજસ્વી હતા, એટલે  લંડનમાં પોસ્ટગ્રેજ્યુએશન કરવાની તાતા એજ્યુકેશન ફાઉન્ડેશનની યોજનામાં જીવરાજભાઈ પસંદ થયા હતા. તેમને પ્રતિષ્ઠિત લંડન મેડિકલ કોલેજમાં એડમીશન મળ્યું હતું. જીવરાજભાઈ લંડનમાં ૧૯૦૯થી ૧૯૧૫ સુધી રહ્યા. ૧૯૧૪માં, જીવરાજભાઈએ એમડીની પરીક્ષામાં યુનિવર્સીટી ગોલ્ડ મેડલ મેળવ્યો. બીજા જ વર્ષે તેમને પ્રતિષ્ઠિત રોયલ કોલેજ ઓફ ફિઝીસીયન્સમાં સભ્યપદ મળ્યું હતું. ૧૯૧૫માં એ મુંબઈ આવ્યા અને ખાનગી પ્રેક્ટીસ કરવા લાગ્યા.

તેમની ડોકટરીની એક અલગ જ કહાની છે, પણ મુંબઈમાં બીજી એક અગત્યની ઘટના બની. જેની આર્થિક સહાયથી જીવરાજભાઈ લંડન ગયા હતા, તે તાતા ફાઉન્ડેશનના કર્તાહર્તા રતનજી જમશેદજી તાતા સમુદ્રી યાત્રાઓ બહુ કરતા હતા. ૧૯૧૬માં, જાપાન અને ચીનની આવી એક મુસાફરીમાં એમને કોઈક બીમારી પકડાઈ ગઈ. મુંબઈમાં ડોકટરોની સલાહથી વધુ સારવાર માટે લંડન જવાનું નક્કી થયું. તેમણે જીવરાજભાઈને સાથે આવવા કહ્યું, એટલે જીવરાજભાઈ પ્રેક્ટીસ છોડીને એસએસ અરેબિયા નામના જહાજમાં રતન તાતા, તેમની પત્ની અને અન્ય સ્ટાફ સાથે જોડાઈ ગયા. તે સમય પ્રથમ વિશ્વયુદ્ધનો હતો.

૧૧ નવેમ્બર ૧૯૧૬ના દિવસે, ભૂમધ્ય મહાસાગરમાં સુયેઝ કેનાલ પસાર કરીને તેમનું જહાજ પોર્ટ સેઇડ માટે રવાના થયું, ત્યારે એક જર્મન સબમરીને જહાજ પર ટોરપીડો છોડ્યો. જહાજ પર નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ. બીજા લોકો હોત તો હક્કાબક્કા થઇ ગયા હોત, પણ જીવરાજભાઈએ જરાય ડર્યા વગર, રતન તાતા સહીતના, તમામ મુસાફરોને ડેક પર સલામત જગ્યાએ પહોંચાડ્યા અને ત્યાંથી લાઈફબોટમાં ઉતાર્યા.

જીવરાજભાઈએ ખુદ આ કિસ્સો લખ્યો છે, “જહાજમાં અમે રોજ આવા સંભવિત હુમલા માટે પરેડ કરતા હતા. આવું કશું થાય, તો ડેક પર ચડી જવાનું અને ત્યાંથી લાઈફ-બોટમાં ઉતરી જવાની તાલીમ લેવામાં આવતી હતી. તે દિવસે ડેક પર હું એકલો જ હતો, અને તાલીમથી વિપરીત, હું નીચે જહાજમાં ગયો અને બધા લોકોને ડેક પર લઇ આવ્યો. એમાં એક લાઈફ-બોટ રવાના થવાની જ તૈયારીમાં હતી અને તેનું દોરડું કપાવાનું જ હતું કે અમે ફટાફટ લટકતા-લટકતા એમાં ઉતર્યા. પહેલાં લેડી તાતા, પછી નર્સ અને પછી સર તાતા ઉતર્યા. હું સૌથી છેલ્લો ઉતર્યો હતો. આવી રીતે દોરડાં પરથી સરકવાની ટેવ નહીં એટલે હાથ છોલાઈ ગયા, અને લાઈફ-બોટમાં માલ્ટા પહોંચ્યા, પછી ત્યાં સારવાર કરી. લાઈફ-બોટમાં કોઈ નાવિક ન હતો એટેલે મેં જ એ ચલાવી હતી. એટલી જ ખબર હતી ડૂબતા જહાજથી બને તેટલા દુર જતા રહેવું, નહી તો જહાજની ભેગા પાણીમાં અંદર ખેંચાઈ જવાય. અમે ૩૦ કલાક સુધી એવી રીતે સમુદ્રમાં રહ્યા.”

માલ્ટામાં સારવાર લઈને તેઓ લંડન પહોંચ્યા. ત્યાં રતનજીની તબિયત બગડતી ગઈ અને ૫ નવેમ્બર ૧૯૧૮ના રોજ તેમનું અવસાન થઇ ગયું. આ બધામાં અને દરિયાના તોફાની હવામાનમાં જીવરાજભાઈના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઇ અને તેમને ક્ષયનો રોગ થયો. લંડનથી તે સ્વીત્ઝરલૅન્ડના સેનેટોરિયમમાં રહેવા ગયા. ત્યાં તે સાડા ચાર વર્ષ રહ્યા. આ રોગ તેમને આજીવન પજવતો રહ્યો, અને ૧૯૭૦માં ઓપરેશન પણ કરાવવું પડ્યું હતું.  સ્વીત્ઝરલૅન્ડના અંતિમ દિવસોમાં તેમનો ભેટો વડોદરા રાજ્યના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ સાથે થયો, જે જીવરાજભાઈથી એટલા પ્રભાવિત થઇ ગયા કે તેમને વડોદરાના ચીફ મેડિકલ ઓફિસરનું પદ ઓફર કર્યું.

વડોદરામાં જ તેમની મુલાકાત ગાયકવાડના દિવાન મનુભાઈ મહેતાની દીકરી હંસાબહેન સાથે થઇ અને તેમની સાથે લગ્ન કર્યા. ઈતિહાકાર જોન આર. વુડે આ લગ્નને ‘નાનકડી સનસનાટી’ ગણાવી હતી; જીવરાજભાઈ વૈશ્ય હતા અને હંસાબહેન નાગર હતાં. સયાજીરાવે આ લગ્નનો પક્ષ લઈને લગ્ન માટે દિવાન મનુભાઈને મનાવ્યા હતા.

વડોદરા રાજ્યમાં, સયાજી જનરલ હોસ્પિટલ સહીત, જે મેડિકલ સુવિધાઓ વિકસી તે જીવરાજભાઈને આભારી છે. જીવરાજભાઈ વડોદરામાં બે વર્ષ રહ્યા. મુંબઈમાં કેઈએમ હોસ્પિટલ અને શેઠ ગોરધનદાસ સુંદરદાસ મેડિકલ કોલેજની રચના કરવાની જવાબદારી આવી હતી. જીવરાજભાઈએ એક બિલ્ડીંગમાં બે માળની મેડિકલ કોલેજ અને બીજા બિલ્ડીંગમાં હોસ્પિટલનો પ્રસ્તાવ મુકેલો, જે બને એક કોરીડોરથી જોડાયેલા હોય. ભારતમાં આ પ્રકારની આ પહેલી સુવિધા હતી. કેઈએમ હોસ્પિટલમાં ભારતનો પહેલો આઉટ-પેશન્ટ વિભાગ બન્યો હતો, તે જીવરાજભાઈને આભારી છે. ૧૯૨૫, તે કેઈએમના ડીન પણ બન્યા હતા.

વડોદરા, મુંબઈ અને દેશના અન્ય શહેરોમાં જીવરાજભાઈને તબીબી સુવિધાઓની રચના અને વહીવટનો જે અનુભવ મળ્યો અને થોડો સમય તે મહાત્મા ગાંધીના ડોકટર રહ્યા, તેમાં તે પંડિત નહેરુની નજરમાં વસી ગયા હતા. નવનિર્મિત ગુજરાતના મુખ્યમંત્રીપદે નેહરુના નાણામંત્રી મોરારજી દેસાઈ ‘તેમના’ માણસ બળવંતરાય મહેતાના નામને ધક્કો મારતા હતા, ત્યારે તેમનો દાવ ઉંધો પાડવા નેહરુએ ડો. જીવરાજ મહેતાને આગળ ધર્યા અને તે ગુજરાતના પહેલા મુખ્યમંત્રી બન્યા.

આંતરિક કાવાદાવામાં અઢી વર્ષમાં જ જીવરાજભાઈને રાજીનામું આપવું પડ્યું, પણ રાજકારણની એ આખી કહાની અલગ જ લેખનો વિષય છે.