(બ્લોકબસ્ટર, મિડ-ડે, ૨૨-૦૮-૨૦૨૦)
શક્તિ સામંતે રાજેશ ખન્નાને 'આરાધના' (૧૯૬૯)માં એટલી ઉચાઇએ પહોંચાડી દીધો હતો કે બે વર્ષ પછી, ૧૯૭૧માં, તેમણે બિભૂતીભૂષણ બંદોપાધ્યાયની બંગાળી ટૂંકી વાર્તા 'હિન્જેર કોચુરી' (ફિલ્મમાં રાજેશ ખન્ના એક હાથમાં ધોતિયાનો છેડો પકડીને શર્મિલાને મળવા જાય છે, ત્યારે તેના બીજા હાથમાં કચોરી હોય છે તે- હિન્જેરી કોચુરી) પરથી 'અમર પ્રેમ' બનાવવાની ઘોષણા કરી, ત્યારે તેમણે આનંદ બાબુની ભૂમિકા માટે રાજ કુમારનો સંપર્ક કર્યો હતો. તેનાં ત્રણ કારણો હતાં: એક તો, ખન્ના બહુ મોટો સ્ટાર બની ગયો હતો, અને તેની પાસે બીજા પાંચ-સાત વર્ષ સુધી તારીખો ન હતી, બીજું, 'અમર પ્રેમ' પુષ્પાની ફિલ્મ હતી, અને આનંદની ભૂમિકા નાની અને પ્લેટોનિક પ્રેમીની હતી, જે ખન્નાની રોમેન્ટિક છાપ સાથે મેળ ખાય તેવી ન હતી, અને ત્રીજું, આનંદ બાબુ વિવાહિત જીવનનું દુઃખ શરાબમાં ડુબાડતો હોય તેવી ભૂમિકા રાજ કુમારને બંધબેસતી હતી, કારણ કે 'જાની' સાહેબ અસલમાં પીવાના શોખીન હતા (ખન્નાના પીવાના ભોગ લાગવાને હજુ થોડા વર્ષોની વાર હતી).
રાજેશ ખન્નાને આ ખબર પડી, એટલે તેણે શક્તિ સામંતને કહ્યું કે આનંદ બાબુની ભૂમિકા મારે કરવી છે, અને હું તેને પુરતો ન્યાય આપીશ. સામંતે ખન્નાને ચેતવ્યો કે, "હું કોઈ તારીખો કેન્સલ નહીં કરું, મુજે કિસી પ્રોડ્યુસર કી બદદુઆ નહીં ચાહિયે. તું સવારે સેટ પર નિયમિત આવી જઈશ?" કાકાએ વચન આપ્યું કે તે સમયની શિસ્ત જાળવશે, અને તેણે શિસ્ત જાળવી એટલું જ નહીં, શરાબી પ્રેમીનો સિલેબસ બની ગયેલા દિલીપ કુમારની નકલ કર્યા વગર પણ સશકત અભિનય કરી શકાય છે, તે સાબિત કરી દીધું.
'અમર પ્રેમ' ખન્નાનું 'દેવદાસ' સાબિત થયું. તેના પરફોર્મન્સમાં સંયમ હતો અને અવાજ મુલાયમ અને લથડીયાં વગરનો હતો. આનંદની વિવાહિત પીડા અને શરાબીપણામાં ગરિમા હતી. દિલીપ કુમારનો દેવદાસ આત્મઘાતી હતો, અને તેને સ્વ-પીડનમાં મજા આવતી હતી. ખન્નાના આનંદમાં પીડા પ્રત્યે બેપરવાઈ હતી. પત્નીની ગેરહાજરીવાળા ઘરમાં તે નોકર સાથે જે વ્યંગાત્મ્ક (કટાક્ષ નહીં) સંવાદ કરે છે, તે જોજો, તમને પ્યાર ઉભરાઈ આવશે. દેવદાસ તેની ચેતનાને શરાબમાં બુઝાવી દેવા માંગતો હતો. આનંદ તેની ચેતનામાંથી જીવનની ફિલોસોફી બહાર લાવતો હતો. તમને એવું લાગે કે આનંદ એક સાધુની બેફીકરાઇથી દેવદાસના કુંડાળાની આસપાસ ચક્કર લગાવતો રહે છે.
આનંદ પહેલીવાર જયારે પુષ્પાના કંઠે ‘રૈના બીતી જાયે...’ સાંભળે છે ત્યારે તેના પગ આપોઆપ પુષ્પાના ઘરની સીડીઓ ચઢી જાય છે અને મંત્રમુગ્ધ બનીને તે પુષ્પાની સામે પલાંઠીવાળીને બેસી જાય છે. અચાનક કોઈકની હાજરીથી સચેત થઇને પુષ્પાનું ગીત અટકી જાય છે અને ત્યારે ખન્ના જે ગહેરી પીડા સાથે બોલે છે, “આપ રુક કયું ગઈ, ગાઈએ ના,” તે સાંભળજો. તેમાં તમને એક પ્રકારની ભક્તિ દેખાશે. ગીત પૂરું થાય છે, ત્યારે આનંદ ઉચ્ચારે છે, “તુમ્હારા નામ પુષ્પા નહીં, મીરાં હોના ચાઈએ થા.”
એ જ નાજુકાઈમાંથી ‘પુષ્પા, આઈ હેટ ટીયર્સ’ સંવાદ આવ્યો, જે પીડાના ગુલામ નહીં થઇ જવાની આનંદની પેલી જીદનો જ હિસ્સો હતો. શર્મિલા એક જગ્યાએ કહે છે, “તેણે એ સંવાદ એટલા ભાવાવેશ અને સંવેદના સાથે કહ્યો હતો કે હું સંમોહિત થઇ ગઈ હતી. છેલ્લા દ્રશ્યમાં આનંદ ‘પુષ્પા...’ એટલું જ કહીને અલવિદા ફરમાવે છે, ત્યારે તે તેના સ્મિતમાં આંસુને જે રીતે ભેગાં કરે છે, તે બીજો કોઈ એક્ટર ના કરી શકે.”
આનંદ બાબુનાં ત્રણે ગીતો પીડાથી છલોછલ અદ્વિતીય ફિલોસોફીકલ હતાં અને આનંદ બક્ષી, આર.ડી. બર્મન અને કિશોર કુમારે તેમાં તેમનું કેરિયર-બેસ્ટ સર્જન આપ્યું હતું. આર. ડી. બર્મનના એક કાર્યક્રમમાં ગુલઝારને પૂછવામાં આવ્યું હતું કે તમને પંચમ (આર.ડી.નું હુલામણું નામ પંચમ હતું)ની કઈ ફિલ્મ ન કરવાનો રંજ છે? ત્યારે ગુલઝારે કહ્યું હતું કે, “મને ‘અમર પ્રેમ’નાં ગીત લખવાનું ગમ્યું હોત. પંચમે મને પૂછ્યું પણ હતું, પરંતુ હું મારી પહેલી ફિલ્મ ‘મેરે અપને’માં વ્યસ્ત હતો, એટલે સમય ના ફાળવી શક્યો. જો કે, આનંદ બક્ષીએ બહેતરીન કામ કર્યું હતું.”
એમાં ‘ચિંગારી કોઈ ભડકે...’ પાછળથી ઉમેરવામાં આવ્યું હતું. આનંદ બક્ષીએ આ ગીત લખી રાખ્યું હતું, અને શક્તિ સામંતે એકવાર બક્ષીને આ ગીત ગણગણતા સાંભળ્યા, તો તેમને એ ગમી ગયું અને પછી તેને ફિલ્મમાં ઉમેર્યું. ખન્નાના હજારો ફેન એકઠા થઇ જતાં, તેને કોલકત્તામાં હુબલી નદી પર શૂટ કરવા પરવાનગી ના મળી, એટલે મુંબઈના મહેબુબ સ્ટુડીઓમાં પાણી ભરેલી ટેંકમાં હાવડા બ્રીજ બનાવીને શૂટ કરવામાં આવ્યું હતું.
‘અમર પ્રેમ’માં આર. ડી. બર્મને તેના પિતા એસ. ડી.બર્મન જેવું સંગીત આપવાને ચેલેન્જ ઉપાડી હતી, અને તે પૂરી કરી. તેનું યાદગાર ‘બડા નટખટ હૈ, કિશન કનૈયા...’ પંચમે બહુ સાધારણ રીતે સંગીતબદ્ધ કર્યું હતું, કારણ કે શક્તિ સામંતે ‘કૈંક ભજન જેવું બનાવી દો’ એવું કહ્યું હતું. એસ. ડી.એ ગીત સાંભળ્યું, તો શક્તિ’દાને કહ્યું કે મજા નથી આવતી, ફિલ્મમાં પ્રસંગ શું છે? શક્તિ’દાએ સમજાવ્યું કે નાનો છોકરા નંદુને ગણિકા પુષ્પા પાસે રહેવાનું ગમે છે અને પુષ્પા તેને દીકરા જેવો પ્રેમ કરે છે.
એસ.ડી.એ પંચમને કહ્યું, “તારી અંદરનો સંગીતકાર ક્યાં ગયો, પંચમ? શર્મિલા અહીં ગણિકા કરતાં વધુ કૈક છે. છોકરાએ તેનામાં માતૃત્વ જગાડ્યું છે. તારી ધૂનમાં ગણિકાનું એ દર્દ આવવું જ જોઈએ કે તે ક્યારેય માતા નહીં બની શકે. ફરીથી બનાવ, તારી રીતે બનાવ, પણ મનમાં હૃદયદ્રાવક માનવીય સ્થિતિને ધ્યાનમાં રાખજે.” પાછળથી પંચમે એકરાર કર્યો હતો કે, તે દિવસે તેના પિતાએ તેને સંગીતનું શ્રેષ્ઠ શિક્ષણ આપ્યું હતું. આ ગીત હિન્દી સિનેમા સંગીત, અને લતા મંગેશકરની કારકિર્દીનું, સર્વોતમ ગીત છે.
‘અમર પ્રેમ’નો આધાર મૂળ બંગાળી ફિલ્મ ‘નિશી પદ્મ’ હતો, જે 'હિન્જેર કોચુરી' પરથી બની હતી, પણ હિન્દીમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા હતા. ‘નિશી પદ્મ’ એટલે રાતરાણીનું વૃક્ષ. ‘અમર પ્રેમ’માં તમને જો યાદ હોય, તો પુષ્પા તેના ઘરના વરંડામાં જાસ્મીન વાવે છે, અને મોટો થઈને નંદુ (વિનોદ મહેરા) ત્યાં આવીને જસ્મીનના વૃક્ષને પ્રેમથી જોઇને પુષ્પાને યાદ કરે છે. ‘નિશી પદ્મ’માં ઉત્તમ કુમારે કામ કર્યું હતું, અને રાજેશ ખન્ના ભૂમિકા સમજવા માટે ઉત્તમ કુમારની પાસે ગએલો. તેણે કહ્યું કે, ‘નિશી પદ્મ’ મેં ૧૬ વાર જોઈ છે, અને હું ઉત્તમ કુમારે જે કામ કર્યું છે, તેના ૫૦ ટકા કરું તોય ભયોભયો. ‘નિશી પદ્મ’માં નાયકનું નામ અનંત હતું, પરંતુ ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ ફિલ્મની લોકપ્રિયતાનો લાભ લેવા માટે રાજેશનું નામ આનંદ રાખવામાં આવ્યું હતું.
‘અમર પ્રેમ’ શર્મિલા ટાગોરની ફિલ્મ હતી. સૈફ અલી ખાનના જન્મ પછીની તેની આ પહેલી ફિલ્મ હતી. શર્મિલાએ શક્તિ’દાને કહેલું કે અધરી ભૂમિકા છે, પણ હું કરીશ. ‘અમર પ્રેમ’માં ચાલુ પ્રેમ કહાની ન હતી. એમાં મુખ્ય ત્રણ પાત્રો હતાં; પુષ્પા, આનંદ અને નંદુ. ત્રણેય એકબીજાથી અજનબી અને ત્રણેય સંયોગવશ એકબીજાને નિ:સ્વાર્થ લગાવ કરી બેસે છે, જે સંબંધનું કોઈ નામ નથી (એટલે જ એને અમર પ્રેમ કહેવાયો હતો). પુષ્પા એમાં ગણિકા હતી, પણ એનું હૃદય એક પવિત્ર સ્ત્રીનું હતું. તેની એ પવિત્રતાનું પ્રતિબિંબ તેની ગાયિકી, નંદુ, આનંદ બાબુ, કચોરી અને રાતરાણીના વૃક્ષમાં હતું.
જેમ જેમ ફિલ્મ આગળ વધે છે, તેમ તેમ તેના ગણિકાના વ્યવસાયમાંથી તેનો મોક્ષ થતો જાય છે. આનંદ તેને કહે છે પણ ખરો, “તુને ઇસ કમરે કો મંદિર બના દિયા.” આ મોક્ષ ત્યાં જ નથી અટકતો. પુષ્પા ગણિકાનો વાસ છોડી દે છે, અને સમાજનાં દુર્વચનોને સાંભળ્યાં-ના સાંભળ્યાં કરીને વાસણો માંજવાનું કામ અપનાવી લે છે. એ તેનું દેવત્વ છે. સાવ છેલ્લા દ્રશ્યમાં, નંદુ પુષ્પાને ઘરે લઇ જાય છે, ત્યારે પાછળ મા દુર્ગાની પ્રતિમાઓનું સરઘસ પણ ચાલતું હોય છે.
તે આનંદ બાબુને મળે છે, પણ ક્ષણિક જ. આનંદ પુષ્પાને નંદુની મા બનીને તેની સાથે જવાનું સુચન કરે છે. પરંપરાગત હિદી સિનેમાઓ કરતાં આ અંત અસાધારણ હતો. શક્તિ’દા કહે છે, “પુષ્પાએ જે તકલીફો ભોગવી હતી, તે જોતાં તેને સુખની ખેવના હોય, તે સહજ છે. તેને હંમેશાં બાળકની આકાંક્ષા હતી, એટલે મને થયું કે તેને અને આનંદને મિયાં-બીવી તરીકે ભેગાં કરવાને બદલે, તેને અને તેના દીકરાને ભેગા કરું, અને આનંદ આ મિલાપ કરાવે, કારણ કે તે તો પહેલેથી જ પુષ્પાને સુખી જોવા ઈચ્છતો હતો.”
એટલા માટે જ આનંદે પહેલા દ્રશ્યમાં પુષ્પાને મીરાં કહી હતી.


